અંજારની સરકારી હોસ્પિટલના ગાયનેક ડોક્ટર વિરુદ્ધ ડોકટરે ૬ વર્ષમાં પ્રસૂતિની ખોટી સંખ્યા દર્શાવી ૧૭.૪૩ લાખ જેટલી રકમ મેળવી લઈ છેતરપિંડી આંચરી
અંજારની સરકારી હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૫થી ૨૦૨૨ સુધી ગાયનેક ડોક્ટર તરીકે ફરજ બજાવનાર વિવાદિત ડોક્ટરે ખોટી રીતે પ્રસૂતિની સંખ્યા વધુ દર્શાવી પ્રોત્સાહિત તરીકે મળતી રકમ રૂ. ૧૭.૪૩ લાખ ખોટી રીતે મેળવી લીધા બાદ ખાતાકીય તપાસ દરમિયાન આક્ષેપો સાબિત થતાં મૂળ રકમ અને દંડની રકમ સહિત કુલ રૂ. ૩૪.૯૪ લાખ ભરવાનો હુકમ કરાયો હોવા છતાં વિવાદિત ડોક્ટરે રકમ ન ભરતા હોસ્પિટલ અધિક્ષકે અંજાર પોલીસ મથકે ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકે અંજાર સરકારી હોસ્પિટલના અધિકાશક ડો. રોબિનસિંગ રાઠોડે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા. ૧૭-૧૨-૨૦૧૫થી તા. ૨૩-૨-૨૦૨૩ સુધી ડો. વિરલ વાઘેલા અંજારની સરકારી હોસ્પીટલમાં વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન વર્ષ ૨૦૧૬-૧૭થી ૨૦૨૧-૨૨ દરમિયાન તેમણે રૂ. ૧૭,૪૩,૩૭૫ પ્રસૂતિ પ્રોત્સાહનની રકમ ખોટી રીતે પોતાના બેન્ક ખાતામાં મેળવી હતી. આ રકમ સંદર્ભે તબીબી શિક્ષણ અને તબીબી સેવાઓ વિભાગ, ગાંધીનગર ખાતે ડો. વિરલ વાઘેલા વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલી રહી હતી. જેમાં વિવિધ માસમાં ખરેખર થયેલી પ્રસૂતિની સંખ્યા અને પ્રોત્સાહિત રકમના ચૂકવણી માટે દર્શાવેલી સંખ્યામાં વિસંગતતા, એક જ પ્રસૂતિના કિસ્સા માટે સરકારના અલગ અલગ નાણાકીય હેઠળ ખર્ચ ઉધારીને નાણાકીય ગેરરીતે આચરણ, સરકારી વિવિધ ફોર્મમાં પોતાની સહી હોવા છતાં તેમની સહી નથી તેવા નિવેદન આપી તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ સહિતના મુદ્દાઓ પર ખાતાકીય તપાસ ચાલી રહી હતી. જેમાં આરોપો આંશિક રીતે સાબિત થતાં ખોટી રીતે મેળવેલી રકમ અને એટલા જ દંડ સહિત કુલ રૂ. ૩૪,૯૪,૭૫૦ની વસૂલાત કરવા હુકમ કરાયો હતો. જે હુકમ બાદ પણ આરોપી ડો. વિરલ વાઘેલાએ રકમ જમા કરાવી ન હોવાથી તેમના વિરુદ્ધ અંજાર પોલીસ મથકે નાણાકીય ઉચાપત અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
