અંજારમાં માતંગ ડેલી મધ્યે પૌરાણિક ચોપડાઓ નું પૂજન કરવામાં આવ્યું

અંજારના મહેશ્વરીવાસમાં માતંગ ડેલી આવેલી છે.જુના એનું સ્વરૂપ ડેલી જેવું હોવાથી માતંગડેલી તરીકે અંજારમાં પ્રખ્યાત થઇ હતી. આ ડેલીમાં છેલ્લે સ્વ.હરસી ખીમા માતંગ ત્યારબાદ ધનજી ગોપાલ માતંગ પોતાના પરિવાર સાથે રહેતા હતા.આજે પણ આ ડેલીમાં વારસદારો રહે છે. આ ડેલીમાં અંદરના ઓરડામાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરેલી છે અને જૂના સમયના પુસ્તકો (ચોપડા) છે. જેમાં મહેશપંથને લગતું સાહિત્ય છે. ચોપડાના બે ફોટો મહેશ્વરી સમાજનાં જાણીતા લેખક માવજીભાઈ મહેશ્વરીને બતાવતા તેમણે કહ્યુ હતુ કે, આ ચોપડા અંદરનું લખાણ લિપી જૂની ગુજરાતી ભાષામાં કરેલુ છે.જે ગુરુમુખી લિપિને મળતી આવે છે.આ સાહિત્ય ૧૫૦ થી ૨૦૦ વર્ષ જૂનું હોઈ શકે છે. દર વર્ષે દિવાળીના પાવન પર્વનાં દિવસે આ ચોપડાનું પૂજન કરવામાં આવેલ છે. આ વર્ષે અંજાર તાલુકા/શહેરનાં ધર્મગુરુ ખીમજી ધનજી માતંગ અને તેમના પરિવાર દ્વારા પુરાણિક ચોપડાની પૂજા વિધિ કરવામાં આવી હતી. જેમાં અંજાર મહેશ્વરી સમાજના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ પૂજનની વિધિમાં જોડાયા હતા.તેમજ તેમના દ્વારા જૂની ગુજરાતી કે ગુરુમુખીના જાણતા લોકોને અંજાર મહેશ્વરી સમાજનો સંપર્ક કરવા અપીલ કરી હતી. જેથી શ્રી ધણીમાતંગ દેવ સ્થાપિત બારમતી પંથ અને મહેશ સંપ્રદાય વિશે વધુ જાણકારી મેળવી શકાય.

