Mother and 3-month-old baby girl die while trying to save 5-year-old girl who fell into water tank in Adesar

આડેસરમાં પાણીના ટાંકામાં પડી ગયેલી ૫ વર્ષીય બાળકીને બચાવવા જતાં માતા અને ખોડામાં રહેલી ૩ માસની બાળકીનું મોત

આડેસરમાં હસતો ખેલતો પરિવારનો માળો અચાનક વિખેરાઈ ગયો હતો. જેના કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સવારે ૬-૩૦ વાગ્યે બનેલા બનાવમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જેમાં ૫ વર્ષની સૌથી મોટી બાળકી અચાનક ઘરના પાણીના ટાંકામાં પડી જતાં તેને બચાવવા તેની માતાએ પણ ટાંકામાં કૂદકો મારી દીધો હતો. આ દરમિયાન કાંખમાં તેડેલી ૩ વર્ષની બાળકીનો પણ માતા સાથે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને એક સાથે ૩ના મોત થયા હતા. આ બનાવ ખરેખર આકસ્મિક બન્યો છે કે સામૂહિક આપઘાતનો છે. તે બાબતે ખુદ પોલીસ પણ મૂંઝાઈ છે. જોકે આ બનાવમાં ઘરમાં સૂતેલી અઢી વર્ષની બાળકી હેમખેમ હોવાનું પણ પોલીસ જણાવી રહી છે. આ બાબતે આડેસર પોલીસ મથકના પી.આઈ. જે.એમ. વાડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મંગળવારના સવારે સાડા છ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. આડેસરમાં આવેલા મકવાણા વાસમાં રહેતા ૨૮ વર્ષીય રૈયાબેન રવાભાઈ મકવાણા (આહીર) અને તેમની બે દીકરીઓ ૫ વર્ષીય આરતીબેન તથા ત્રણ મહિનાની આયુષીના ઘરના પાણીના ટાંકામાંથી ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક રૈયાબેનના પતિ ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટમાં નોકરી પર હતા. પરિવારે જાહેર કરેલી વિગત મુજબ સવારે ૬-૩૦ વાગ્યે ૫ વર્ષીય આરતી નામની દીકરી રમતાં રમતાં ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી અને તેને બચાવવા જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બાળકીનો પાણીના ટાંકામાં પડી જવાનો અવાજ આવતા રૈયાબેને કાંખમાં તેડેલી ૩ મહિનાની પુત્રી આયુષી સાથે દોટ મૂકી હતી અને ટાંકામાં કૂદકો મારી દીધો હતો. દરમિયાન ત્રણેયના ડૂબી જવાના કારણે મોત થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ મૃતક મહિલાનો સુખી સંપન્ન ઘર છે. મહિલાના પિયર પક્ષ કે સાસરી પક્ષ તરફથી પણ કોઈ ઘર્ષણ થયું હોય કે અન્ય કોઈ બાબત હોય તેવી ફરિયાદ મળી નથી. પાડોશીઓની પૂછપરછમાં પણ ખાસ કઈ મળ્યું નથી. આ બનાવમાં અંદાજિત અઢી વર્ષની વચટ બાળકી ઘરમાં સૂતી હતી તે હાલે સુરક્ષિત છે. જેથી ખરેખર આ અકસ્માત છે કે સામૂહિક આપઘાત કે અન્ય કોઈ બાબત તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ તપાસ કરી રહી છે તેવું જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!