રાજ્ય મંત્રી અને સાંસદ સહિત સમગ્ર કચ્છની નેતાગીરી હાજર રહી, ૭૨ વર્ષની પ્રગતિ યાત્રાનો ઉજાસ પઠારવા યોજાયો સ્નેહમિલન

સંવત ૧૯૫૩થી સતત વિકાસ અને સેવાના માર્ગે દોડતી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતો સ્નેહમિલન કાર્યક્રમ આ વર્ષે પણ અનોખા ઉમંગ, સૌહાર્દ અને સંગઠિત ભાવનાના માહોલમાં ચેમ્બર ભવન ખાતે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.ચેમ્બરના ૩૫૦૦થી વધુ સીધા સભ્યો અને આશરે ૨૦,૦૦૦ જેટલા પરોક્ષ રીતે જોડાયેલા વેપાર-ઉદ્યોગ સંબંધિત સંગઠનોના પ્રતિનિધિઓ પૈકી સાથે પ્રજાકીય પ્રતિનિધિઓ અને પ્રશાસન સાથે જોડાયેલાઓની ઉપસ્થિતિએ આ મેળાવડાને અનોખી ઊર્જા આપી હતી. માત્ર સભ્યો નહીં, પરંતુ વિવિધ ટ્રેડ એસોસિએશન, બિઝનેસ ફેડરેશનો, ટ્રાન્સપોર્ટ—લોજીસ્ટિક્સ, સ્ટીલ, સોલ્ટ, ઓઈલ, ટિમ્બર, પોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિએ નવવર્ષના આગમન તથા સ્નેહમિલન કાર્યક્રમને ગરિમામય બનાવ્યો હતો. ચેમ્બરની સ્થાપના વર્ષ ૧૯૫૩થી કચ્છ પ્રદેશના વેપાર અને ઉદ્યોગના હિત માટે કાર્યરત રહી છે. વર્ષોથી ચેમ્બર માત્ર ઉદ્યોગની નીતિગત માંગણીઓ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ શિક્ષણ, જીવદયા, સામાજિક સેવા, રમતગમત અને સામૂહિક સુખાકારીના ક્ષેત્રોમાં પણ પ્રશંસનીય યોગદાન આપ્યું છે. આ સ્નેહમિલન પ્રસંગે, ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજીના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
