અવાર નવાર રજુઆત કરાઈ છતાં સમસ્યાનું ઉકેલ ન આવતા પીજીવીસીએલ સામે આંદોલનની ચીમકી
અંજારની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં વારંવાર થતા પાવર કટની સમસ્યા સામે ખેડૂતોએ બાયો ચડાવી છે. અવાર નવાર રજુઆત કર્યા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા અંજાર પીજીવીસીએલ કચેરીનાં એન્જીનીયરને પત્ર લખી સમસ્યા ઉકેલ કરવા રજુઆત કરી છે.

અંજારની સીમ વિસ્તારમાં આવેલી વાડી વિસ્તારમાં સતત પાવાર કટ થતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અંજાર અને આદિપુરની પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતો અને સ્થાનિક લોકો દ્વારા કેટલીક મૌખિક અને લેખિત ફરિયાદો કરાવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા અંજારસીમમાં વાડી વિસ્તારમાં રહેતા અરજણભાઈ ભચુભાઈ ઢીલાએ જણાવ્યુ હતુ કે, અંજારમાં જંગીવાડી આઈજીવાય ફીડર લાઈન આદીપુર કિડાણા શીણાઈ ફરી ને અંજાર સીમમાં આવે છે. જેની લંબાઈ વધારે હોવાના કારણે અવાર નવાર લાઈનમાં મેંટેનન્સમાં આવતુ હોવાથી પાવરકટ થાય છે અને ખેડૂતને ૪ થી ૫ દિવસ સુધી સિંગલફેસ પાવર પણ મળતો નથી. વાડી વિસ્તારમાં ૮ કલાક પણ ખેતી માટે લાઈટ ન આવતી હોવાના કારણે ખેતીમાં ભારે નુકશાન થાય છે. જેથી અંજાર સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતો દ્વારા અંજારનાં એક્સિક્યુટિવ એન્જીનીયરને પાવરકટની સમસ્યા સામે કાયમી ઉકેલલાવવા લેખિતમાં ફરિયાદ કરી હતી અને જો તેમની સમસ્યાનું ઉકેલ નઈ આવે તો અંજાર પીજીવીસીએલ કચેરી સામે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.


