દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર

Diwali 2025: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે, સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર, દિવાળીની રાત્રે માત્ર બે કલાક (રાતે 8થી 10) સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ

રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ, પર્યાવરણ પર વિપરીત અસર અને આગ લાગવાના બનાવો ન બને તે માટે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત, સરકારે વધુ ઘોંઘાટ કરતાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

આ ફટાકડા પર પ્રતિબંધ

માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન તથા ઓછા પ્રદૂષણ ઉત્પન્ન કરતાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે. આ ઉપરાંત ભારે ઘોંઘાટવાળા, સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વધુ પ્રદૂષણ ફેલાવતા બાંધેલા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓએ માત્ર માન્ય રાખવામાં આવેલા ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.

આ પણ વાંચો: ફોન પે અને પેટીએમની બનાવટી એપ દ્વારા વેપારીઓ સાથે ઠગાઈનો કારસો, દિવાળીમાં સાવચેત રહેવું

સરકારની ગાઇડલાઇન

•તમામ ઈ-કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારનાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

•ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.

•દિવાળી તથા અન્ય તહેવારો: ફટાકડા રાતે 8:00થી 10:00 કલાક સુધી જ ફોડી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!