ભચાઉ તાલુકાનાં કલ્યાણપર ગામની સીમમાં આવેલી જમીનનાં મુળ માલિકના નામનાં ખોટા આધારો ઉભા કરી તેમની જાણ બહાર જમીન બારોબાર વેચનારા ચાર શખ્સો સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.

માળીયાનાં હાટીપાટીમાં રહેતા જૈતમાલભાઈ ધૈયાભાઈ સીસોદીયાએ જણાવ્યુ હતુ કે, ભચાઉનાં કલ્યાણપર ગામની સીમમાં સર્વે નં ૮૮ પૈકી ૨ વાળી માલિકીની જમીન આવેલી છે. જે જમીન પચાવી પાડવા ફરિયાદીનાં નામનું ખોટું આધાર કાર્ડ અને પાનકાર્ડ બનાવી તેમાં કોઈ અજાણ્યા શખ્સનું ફોટો નાખી તે જમીન કલ્યાણપર ગામમાં જ રહેતા મહેશ કરશનભાઇ કોળીને વેચાણ દસ્તાવેજથી આપી દીધી હતી.જેમાં સચિન દિલીપભાઈ વેગડા (રહે. કલ્યાણપર) અને રાહુલ રામજી કોળીએ સાક્ષી તરીકે સહીઓ કરી હતી. ફરિયાદીને બનાવ અંગે જાણ થતા તેઓ કલ્યાણપર આવી તપાસ કરતા તેમના સાથે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યુ હતુ. જેથી ખડીર પોલીસે ફરિયાદીનાં નામનું ખોટું નામ ધારણ કરનાર અને જમીન ખરીદનાર સાથે સાક્ષી તરીકે સહી કરનાર સહીત કુલ ૪ ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ખડીર પોલીસે ગણતરીનાં કલાકોમાં બોગસ દસ્તાવેજ બનાવનાર મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો
ખડીર પોલીસે ગણતરીનાં કલાકોમાં બાતમી આધારે જમીનનાં મુળ માલિકનાં ખોટા આધારો ઉભા કરનાર અને સમગ્ર ઘટનાને અંજામ આપનાર છેતરપિંડીનાં ગુનામાં મહેશ કરસનભાઈ કોળીને ખડીર પોલીસે ઝડપી પાડ્યો હતો.
