3 દિવસના સત્રમાં 529 પ્રશ્નો પૂછ્યા ને ચર્ચા માંડ 25 પર થઈ

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકુંચોમાસું સત્ર 10 સપ્ટેબરે પૂર્ણ થયું. આ સત્રમાં રેકોર્ડ પર કુલ 529 પ્રશ્નો મૂકાયા હતા. એટલે કે, ધારાસભ્યોએ આટલા પ્રશ્નો પૂછ્યા, પરંતુ આ ત્રણ દિવસમાં માંડ 20થી 25 પ્રશ્નની જ ગૃહમાં ચર્ચા થઈ. રસપ્રદ વાત એ છે કે, આ સત્રમાં પહેલીવાર એક જ વિષય પર સૌથી વધુ 18 ધારાસભ્યે પ્રશ્ન પૂછ્યો. ત્યારે રાજકીય નિષ્ણાતોમાં ચર્ચા છે કે, શું ગુજરાતના નેતાઓ પ્રશ્નો પૂછવા ખાતર જ પૂછે છે?237 પ્રશ્ન પૂછાયા, જેમાંથી 18 ધારાસભ્યએ એકનો એક… ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના અંતિમ દિવસે 10 સપ્ટેમ્બરે કુલ 237 પ્રશ્ન પૂછાયા હતા, જેમાં રાજ્ય સરકારની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં વિદ્યાર્થીઓને સહાય માટેની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં છેલ્લા બે વર્ષમાં કેટલી સહાય અપાઈ એ પ્રશ્ન કુલ 18 ધારાસભ્યે પૂછ્યો હતો.આ પૈકી છ ધારાસભ્યએ ડિપ્લોમા ઈજનેરી કોર્સમાં છેલ્લા બે વર્ષમાં કેટલા વિદ્યાર્થીને આ યોજનામાં સહાય મળી તે પ્રશ્ન પૂછ્યો હતો, તો બે ધારાસભ્યએ વેટરનરી કોર્સ માટે, ત્રણ ધારસભ્યએ ફાર્મસી કોર્સ માટે, બે ધારાસભ્યએ નર્સિંગ કોર્સ માટે તેમજ બે ધારાસભ્યએ એગ્રિકલ્ચર કોર્સમાં કેટલા વિદ્યાર્થીને બે વર્ષમાં સહાય મળી તે પ્રશ્ન પૂછ્યો હતો. આ ઉપરાંત એક ધારાસભ્યએ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં હાલની છ લાખ આવક મર્યાદામાં સરકાર વધારો કરવા માંગે છે કે નહીં તેવો પ્રશ્ન પૂછ્યો હતો.
