મીઠીરોહરની ટ્રાન્સપોર્ટ કંપની સાથે ૧૮.૯૫ લાખની ઠગાઇ
પે. કંપનીનાં કર્મચારીઓએ અન્ય પેઢીના ખોટા બિલ પર રૂપિયા મેળવી માલિકને ન આપ્યા
ગાંધીધામ, તા ૮
ગાંધીધામનાં મીઠીરોહરમાં આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીનાં મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે કાવતરું રચી ટ્રાન્સપોર્ટનાં માલિક સાથે કુલ ૧૮.૯૫ લાખ રૂપિયાની ઠગાઇ આચરી હતી. જેમાં ટ્રાન્સપોર્ટની કુલ ૪૭ ગાડીઓમાં ૨૩ ગાડીઓના બીલ પોતાની ટ્રાન્સપોર્ટના બનાવી બાકીની ૨૪ ગાડીઓનાં બીલ અન્ય ટ્રાન્સપોર્ટ પેઢીના નામે બનાવી બે કર્મચારીઓ રૂપિયા ચાઉં કરી જતા તેમના વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો.
ગાંધીધામનાં અપનાનગરમાં રહેતા હર્ષ સત્યપ્રકાશ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની ગાંધીધામનાં મીઠીરોહર ખાતે આવેલી અંબિકા ટ્રાન્સપોર્ટ નામની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા અનુપકુમાર ઇન્દોરીયા અને આસિસ્ટન્ટ મેનેજર રોશન કાબરાએ કાવતરું રચી ફરિયાદીની કંપનીને કુલ રૂ. ૧૮,૯૫,૧૫૬નું ચૂનો ચોપડ્યો હતો. જેમાં બે આરોપીઓ સાથે મળી ફરિયાદીની કુલ ૪૭ ગાડીઓમાંથી ૨૩ ગાડીઓનાં બીલ ફરિયાદીનાં ટ્રાન્સપોર્ટનાં બનવી અને બાકીની ૨૪ ગાડીઓનાં બીલ અન્ય ટ્રાન્સપોર્ટ કંપનીનાં નામે બનાવી દીધા હતા અને બીલનાં રૂપિયા પોતે મેળવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેમાં ફરિયાદીએ હિસાબ ચેક કરતા માલુમ પડતા ફરિયાદીએ બે આરોપી પાસે રૂપિયાની માંગણી કરતા રૂપિયા પરત ન આપતા અંતે ફરિયાદીએ બે શખ્સો વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.