કિડાણામાં ત્રણ શખ્સો દ્વારા કરાયેલા દબાણ દૂર કરાયા, નોટિસ બાદ પણ દબાણ ન હટાવતા કરાઇ પોલીસ અને પાલિકાએ કરી કાર્યવાહી
આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગાંધીધામનાં કિડાણામાં રહેતા ત્રણ શખ્સો વસીમ હાજીઆમદ સોઢા, ઇકબાલ હાજીઆમદ સોઢા અને સુલતાન ગની છુછીયા વિરુદ્ધ પોલીસ મથકે મારામારી, ખુનની કોશીશ અને વ્યાજખોરીનાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.તેમજ આરોપી વસીમ સોઢાએ કિડાણામાં પોતાના ઘરની સામે જાહેર રસ્તા પર ગેરકાયદેસર દુકાનોનુ પાકુ બાંધકામ કરી સરકારી જમીનમાં ૧૦૦૦ ચોરસ ફુટ જેટલુ ગેરકાયદેસર રીતે દબાણ કરી કબ્જો કર્યો હતો.આરોપી ઇકબાલ સોઢાએ પોતાના મકાન પાસે સરકારી પ્લોટ પર દિવાલ બનાવી ૪,૦૦૦ ચોરસ ફુટ જેટલો ગેરકાયદેસર દબાણ કર્યો હતો. અને સુલતાન છુછીયાએ પણ કિડાણાની સેવન સ્કાય સોસાયટીનાં આગળનાં ભાગે ગેરકાયદેસર રીતે ૧૦ દુકાનોનુ પાકુ બાંધકામ કરી તેની અંદર સર્વિસ સ્ટેશન સહીત બનાવી સરકારી પ્લોટ પર ૧૦૦૦ ચોરસ ફુટનું ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કરી લીધું હતુ.જેથી પૂર્વ કચ્છ પોલીસે ત્રણેય આરોપીને દબાણ ખાલી કરવા અંગે નોટિસ આપી હતી પરંતુ તેમણે સ્વેચ્છાએ દબાણ ન હટાવતા પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસની કાર્યવાહીમાં સરકારી જમીન પર કરેલા કુલ ૬ હજાર ચોરસ ફૂટ જેટલુ દબાણ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરી દેવામાં આવી હતી.


