સિનુગ્રામાં રહેતા ગાંજાના પેડલરે દબાવેલી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ, નોટિસ બાદ પણ દબાણ ન હટાવતા કરાઇ કાર્યવાહી, ગાંજાનું વેચાણ પણ એ જ સ્થળે થતું
આ અંગે અંજાર પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, સિનુગ્રા ગામે રહેતો મહંમદ હાજી મહંમદ હુસેન સૈયદ પર અગાઉ ૩ વખત ગાંજાનો કેસ થઈ ચૂક્યો છે. આરોપીએ પોતાના અંગત ફાયદા માટે સિનોગ્રા ગ્રામ પંચાયતની સરકારી જમીન પર પોતાના રહેવા અને ગાંજાનું વેચાણ કરવા દબાણ કરી લીધું હતું. જેથી પોલીસે તેને દબાણ હટાવી નાખવા નોટિસ આપી હતી પરંતુ તેણે સ્વેચ્છાએ દબાણ ન હટાવતા પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અંજાર વિસ્તારમાં ગુનેગારોને અત્યાર સુધી પોલીસે છાવર્યા જ હતા પરંતુ કડક અધિકારીની નિમણૂક થતાં ગુનેગારો પર સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે મુજબ હજુ વધુ ગુનેગારોના દબાણો પર બુલડોઝર ફરશે તેવું પણ પોલીસે જણાવ્યું હતું.