અંજાર તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનના પુત્રની કાળા કાચ વાળી કારથી હિટ એન્ડ રન, કારનો ચાલક અકસ્માત સર્જી નાસી ગયો, કારમાં તાલુકા પંચાયત ચેરમેનનો પાટિયો લોકોએ જોયો .
અંજારનાં બાલાજી નગરમાં રહેતા અને ફોટોગ્રાફીનું કામ કરતા વિમલ હેમરાજભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે, રવિવારે સવારનાં ૯ વાગ્યાનાં અરશામાં બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી અને તેમની ૪૦ વર્ષીય પત્ની પ્રવીણાબેન ઉર્ફે પાયલબેન પોતાની સ્કૂટી નં જીજે ૧૨ ડીજે ૯૧૧૪ લઇ અંજારથી કુંભારીયા ગામે માતાજીના સમૂહ નિવેદમાં ભાગ લેવા જતા હતા. દરમિયાન અંજારની ગઢવાળી પાસે આવેલી જય અંબે હોટલ સામે રોડ પર કાર નં જીજે ૧૨ ઈઈ ૮૯૬૫નાં ચાલકે ફરિયાદીની સ્કૂટીને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં ફરિયાદી અને તેની પત્ની સ્કૂટી પરથી નીચે પડી જતા ફરિયાદીને શરીરે અને હાથનાં ભાગે ફ્રેક્ચર સહીતની ઈજાઓ થઇ હતી. જ્યારે ફરિયાદીની પત્ની પાયલબેનને શરીરે અને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ. આરોપી કાર ચાલક અકસ્માત સર્જી પોતાની કાર લઇ નાસી ગયો હતો. જેથી ફરિયાદીએ કાર ચાલક વિરુદ્ધ અંજાર પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિકે ઉભેલા લોકોના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર સ્વીફ કારમાં તાલુકા પંચાયત ચેરમેનનો પાટિયો લાગેલો હતો અને એડવોકેટનો સિમ્બોલ લાગેલો હતો. જેણે ફૂલ સ્પીડે ચાલકે કાર ચલાવી અકસ્માત સર્જી ત્યાંથી નાસી ગયો હતો. સ્થાનિકોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં તે ઊભો રહ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. તો પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર અંજાર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાણીબેન અર્જુન થારુના પુત્ર નરેશના નામે નોંધાયેલી છે. જેથી ચાલાક કોણ છે તેની હાલે તપાસ ચાલી રહી છે. બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ચાલાક કોણ છે તે પણ સ્પષ્ટ થઇ જ જશે.

